રાષ્ટ્રધ્વજનું વિતરણ કે વેંચાણ...? સરકારી કાર્યક્રમ કે ભાજપનો કાર્યક્રમ...?

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

રાષ્ટ્રધ્વજનું વિતરણ કે વેંચાણ...? સરકારી કાર્યક્રમ કે ભાજપનો કાર્યક્રમ...?

હર ઘર તિરંગાઃ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આમજનતામાં ઉત્સાહ સાથે ઉઠતા અનેક સવાલોજામનગર તા. ૬ઃ સમગ્ર દેશમાં "આઝાદી કા અમૃત મહોત્સવ" ની ઉજવણી જોરશોરથી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. તેમાંય ૧પમી ઓગસ્ટે આઝાદી દિન હોય ૧૩, ૧૪, ૧પ ઓગસ્ટે દેશભરમાં ઘરે-ઘરે રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવાનું મહાઅભિયાન કરવાની જાહેરાત વડાપ્રધાને કરી છે.ગુજરાતમાં 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા તૈયારી ચાલી રહી છે. સુરતમાં તો તિરંગા યાત્રા યોજીને આ અભિયાન શરૃ કરી દેવાયું છે. જામનગરમાં દરેક ઘરે તિરંગો લહેરાય તે માટેની જવાબદારી સીધી રીતે જામનગર મહાનગરપાલિકાએ સંભાળી છે, અને તે સંદર્ભમાં સ્થાયી સમિતિએ એક લાખ ઝંડા (તિરંગા) નો (દાંડી સાથે) ઓર્ડર આપી તેના ખર્ચના રૃપિયા પચાસ લાખ મંજૂર પણ કરી દીધા છે.આ તમામ ગતિવિધિઓમાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં સાત સ્થળે તિરંગા વેંચાણ કેન્દ્રો શરૃ કરતાં લોકોમાં સવાલો પેદા થઈ રહ્યાં છે. આ સમગ્ર અભિયાન (કાર્યક્રમ) રાજય સરકારનું છે, કેન્દ્ર સરકારનું છે કે પછી ભારતીય જનતા પાર્ટીનું છે...??જો ઝંડાનું વેંચાણ કરવાનું હોય તો રૃા. પ૦ લાખનો ખર્ચ શા માટે...? ઝંડા બનાવવાની ઝંડા દાંડી સાથે એકનો ખર્ચ રૃા. ૪૦ જેવો થશે. તો એક લાખ ઝંડાના પ૦ લાખ કેવી રીતે...? ઝંડા બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ કોને અને ક્યારે તથા કેવી રીતે અપાયો...? આ પાર્ટી કે સંસ્થા ઝંડા ક્યારે મનપાને સોંપશે...?, ક્યારે ઝંડાનું વિતરણ થશે...?અત્યારે જે સાત કેન્દ્રો પર તિરંગાનું વેંચાણ ૩પ-૪૦ રૃપિયામાં થઈ રહ્યું છે તે ઝંડા-દાંડી પણ મનપાએ જ વેંચાણ માટે મૂક્યા છે. તેમાં એક ઝંડા દીઠ રૃા. ચાર-પાંચની ખોટ જવાની ધારણા છે. જો કે, આજ સુધીના વેંચાણના સતાવાર આંકડા મુજબ આમજનતામાંથી ઝંડા-દાંડી ખરીદ કરવામાં ઉત્સાહ કે સારો પ્રતિભાવ જોવા મળ્યો નથી.રાષ્ટ્રીય તહેવાર અને તેમાંય આઝાદીના ૭પ વર્ષની ઉજવણીમાં ઘરે-ઘરે તિરંગો લહેરાવવાનું કાર્ય હોય ત્યારે રાજકીય પક્ષાપક્ષીનો આશરો શા માટે...?ભલે મનપામાં શાસન અને આયોજન ભાજપનું છે, પણ.. વિરોધપક્ષના સભ્યોની સામેલગીરી શા માટે કરવામાં આવી નથી...? શું આ કોર્પોરેટરો દેશપ્રેમી નથી...? શું તેઓ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી ન બની શકે...? જે રીતે તૈયારી થઈ રહી છે તે જોતા સમગ્ર કાર્યક્રમ ભાજપનો હોય તેવી છાપ ઉપસી રહી છે, અને તે અંગે ચર્ચા પણ ચાલી રહી છે.મનપાની સ્થાયી સમિતિના અધ્યક્ષે નોબત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તા. ૧૧-૧ર ઓગસ્ટ સુધીમાં એક લાખ ઝંડા મળી જશે અને શહેરના તમામ વિસ્તારોના સફાઈ કામદારોને ઘરે-ઘરે અથવા તેમના વિસ્તારોમાં આવતી દુકાનો, ઓફિસોમાં ઝંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સાથે દરેક વિસ્તારમાં તે વિસ્તારના કાર્યકરો, આગેવાનો જોડાશે. આ વિતરણ કાર્ય માટેનું નેટવર્ક ગોઠવવા બેઠકો ચાલી રહી છે.જામનગરમાં અનેક પરિવારો, વ્યક્તિઓ એવા છે કે, જેઓ ૩પ-૪૦ રૃપિયા ખર્ચ કરીને ઝંડો ફરકાવવાની લાગણી ધરાવે છે, અર્થાત તેઓ નિઃશુલ્ક ઝંડા લેવા માંગતા નથી. આમ હર ઘર તિરંગા અભિયાન દ્વારા તેઓ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પોતાનો આડકતરો સહયોગ આપે અને 'મફત' માં ઝંડો લીધો નથી, તેવી દેશપ્રેમની ભાવના જાગૃત થાય તે માટે જ વેંચાણ કેન્દ્રોમાંથી ઝંડાનું વેંચાણ કરવામાં આવી રહ્યું છે અને આ ઝંડા-દાંડી પણ મનપાએ જ વેંચાણ માટે આપ્યા છે.આમ અત્યારે તો હજી ઝંડા વેંચાણમાં જાજો ઉત્સાહ જણાતો નથી... અને મોટા ભાગના લોકો નિઃશુલ્ક ઝંડા વિતરણની રાહ જોઈ રહ્યાં હોય તેમ જણાય છે. આપણે તો છેલ્લી ઘડીએ જાગનારા લોકો છીએ, તેથી કદાચ છેલ્લે-છેલ્લે ઘરાકી નીકળી પડે તો નવાઈ નહીં...!...અને ઘરે-ઘરે ઝંડાનું વિતરણ કરવામાં મનપાના ટાર્ગેટ પ્રમાણે સમયસર કામ થાય તો ચોક્કસપણે દરેક ઘર, ઓફિસ, બિલ્ડીંગમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો જોવા મળશે... જામનગરની ઉત્સવપ્રેમી જનતા દેશપ્રેમના કાર્યક્રમમાં પણ ઓછી નહીં જ ઉતરે...!રાષ્ટ્રધ્વજના નામે પણ કમાઈ લેવાનો કારસો...!જામનગર મહાનગરપાલિકા દ્વારા તિરંગાની ખરીદીમાં પણ લાખોના ભ્રષ્ટાચારની આશંકા...!જામનગર મહાનગરપાલિકાના તંત્રએ એક લાખ તિરંગાની ખરીદીનો કોન્ટ્રાક્ટ કોને આપ્યો છે...? ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતાં કે નહીં...? મહિલા સંસ્થાઓ દ્વારા પણ તિરંગા બની રહ્યાં છે ત્યારે તેની પાસેથી ક્યા ધોરણે ખરીદી કરવામાં આવી રહી છે ? એક તિરંગાની શું ભાવે, કેટલા રૃપિયા લેખે ખરીદીને મંજૂરી આપવામાં આવી છે ?તિરંગા અંગે આ પ્રકારના સવાલો એટલા માટે ઉઠવા પામ્યા છે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાએ ર૧ રૃપિયામાં ધ્વજ અને ૯ રૃપિયામાં દાંડી સાથે ૩૦ રૃપિયામાં ઝંડા વેંચવાની જાહેરાત કરી છે ત્યારે જામનગરમાં એક ઝંડાના ૩પ-૪૦ રૃપિયાનો ભાવ કોણે અને કેવી રીતે નક્કી કરાયો...?નવાઈની વાત તો એ છે કે, મનપાના ભાજપના સત્તાવાળાઓએ ધડાધડ એક લાખ ઝંડા માટે પચ્ચાસ લાખનો ખર્ચ મંજૂર કરી દીધા પછી તેના ટેન્ડર, ભાવ, કોન્ટ્રાક્ટ, મહિલા સંસ્થા કે અન્ય કોઈપણ પ્રકારની માહિતી મનપાના હોદ્દેદારો પાસે નથી...! અર્થાત મનપાના વહીવટી તંત્રએ જ પ્રક્રિયા કરી નાંખી છે... અને અન્ય શહેરોની સરખામણીમાં એક તિરંગાના ભાવમાં રૃા. ૧૦ થી ૧ર નો તફાવત હોય, એક લાખ ઝંડાની ખરીદીમાં દસથી બાર લાખનો ભષ્ટ્રચાર થયો હોવાની શંકા અસ્થાને નથી. એટલું જ નહીં કેટલાક જાણકાર વેપારીઓ, દરજીઓના જણાવ્યા પ્રમાણે જે ઝંડા જામનગરમાં વેંચાઈ રહ્યા છે તેની કિંમત વધુમાં વધુ ર૦ રૃપિયા હોય શકે, અને લાકડાની દાંડી તો ૪-પ રૃપિયામાં મળી શકે... અને આ ભાવે વેંચાણ થાય તો પણ વેપારી-કોન્ટ્રાક્ટર દરેક ઝંડે એક-બે રૃપિયા નફો કરી શકે...!!

Google Follow Image